અંક ૫: મેં પણ રાખ્યું ગૌરી વ્રત..!!

નમસ્તે મિત્રો,

જાણું છું કે થોડો વધુ સમય લઇ લીધો આ વખતે નવી વાર્તા માટે પણ શું કરું આતો ખાલી શોખ ખાતર જ લખું છું. બાકી ફૂલ ટાઈમ ધંધો તો બીજો કંઇક છે એટલે ધંધા ને પ્રાથમિકતા આપી.

પણ જે હોય એ..કાંઈ વાંધો નહિ.

હવે જરા થોભી જાઓ. જી હા..!! જે પણ કાર્ય કરતા હોવ કે મગજ માં જે પણ બીજા વિચાર ચાલતા હોય એ એકાદ મિનિટ બંધ કરી દો. પણ આ વાંચવા નું ચાલુ રાખજો ખાલી.

હવે યાદ કરો તમારી સ્કૂલ ના દિવસો ને....યાદ કરો એ સ્કૂલ ના સમય ની દરેક વાતો.... કે જેનાથી તમારા ચહેરા પર સ્માઈલ આવી જાય....યાદ આવી? 

કેવા મજા ના દિવસો હતા ને એ..!! કોઈ ના પણ સ્કૂલ ના દિવસો મજા ના જ હોય એમાં કોઈ શંકા ને સ્થાન નથી. મારા પણ દિવસો મજા ના હતા.

એમાં પણ એક એવો કિસ્સો હતો કે જે આજે પણ હું યાદ કરું તો ખડખડાટ હસવા લાગુ.

હમ્મ.....!!! જો ધ્યાન થી યાદ કરું તો આ વાત છે ધોરણ ૭ ની.

સ્કૂલ માં હું એક શાંત અને હોશિયાર છોકરો હતો - એવું લોકો ને લાગતું.
એક આદર્શ વિદ્યાર્થી નું ઉત્તમ ઉદાહરણ જો કોઈ હોય તો એ હું હતો - આવું મારા શિક્ષકો ને લાગતું.
જો આવો જ રહ્યો તો આગળ જઈને બહુ મોટું નામ કરશે- એવું મારા મમ્મી પપ્પા ને લાગતું.

પણ હા વાસ્તવિકતા એ નહોતી. કહેવાનો મતલબ... તમે જાણો છો કે વાસ્તવિકતા શું છે. ખરું ને?

તો સ્કૂલ ટાઈમે પણ સ્વભાવ આવો જ હતો. મસ્તી મજાક ને હસવું હસાવું એવું બધું. પણ ટીચર જ્યારે ભણાવે ત્યારે એક દમ શાંત...જાણે અનશન પર બેઠો હોય ને એમ કાંઈ પણ ચુ કે ચા ના હોય. નજર ટીચર તરફ જ હોય પછી ભલે ને મન ક્યાંય કાશ્મીર ની વાદિયોં માં ખોવાયેલું હોય.

ટૂંક માં મારા આવા સ્વભાવ ને કારણે સ્કૂલ પ્રશાસન માં બધા ની જોડે આપણા સબંધ સારા હતા. નવી સાઇકલ ને લિસોટા ના પડે એટલા માટે પટાવાળા ને કહી ને સાઇકલ હંમેશા પહેલી લાઈન માં જ મુકાવું. સ્કૂલ  માં ક્યાંય એકી-પાણી ની રજા લઈને લોબી માં રખડતો હોઉં અને પ્રિન્સિપાલ મને જોઈ જાય તો બોલાવી ને મારા અભ્યાસ વિશે હાલ ચાલ પૂછે.

ટીચર્સ પણ સ્કૂલ માં કોઈ ફંકશન હોય કે ક્લાસ માં કોઈ ઈત્તર પ્રવૃત્તિ નું આયોજન હોય તો એ દરેક માં મને ઇન્વોલ્વ કરે અને લીડ કરવા નું કે. મને યાદ છે ધોરણ ૪ થી ૭ માં પી. ટી નો ક્લાસ પણ હું જ લેતો.

રીશેષ ટાઈમ માં બધી વ્યવસ્થા કરવાથી લઇ ને ક્લાસ પતાવા ના ધંટ વગાળવા સુધી ની જવાબદારી મારા માથે હતી.

ક્લાસ માં કોઈ છોકરા ને વહેલા ઘરે જવાની રજા જોઈતી હોય તો બેકગ્રાઉન્ડ વેરિફિકેશન માટે ટીચર મને પૂછે કે આને રજા આપું કે નહિ? આ નાટક તો નથી કરતો ને? એવું બધું.

બહુ થઇ ગયા પોતાના વખાણ....!!!! હવે મુદ્દા ઉપર આવું.

ટૂંક માં પટાવાળા થી લઇ ને પ્રિન્સિપાલ સુધી બધા સારી રીતે ઓળખતા. ખાલી મને કોઈ નહોતું ઓળખતું તો એ હતા પ્રિન્સિપાલ ના પપ્પા...જી હા એમના પપ્પા..!! 

અમારા પ્રિન્સિપાલ ની બહુ ઉમર નહોતી. એ ૪૦ એક વર્ષ ના હશે. એમના ફાધર કદાચ રિટાયર્ડ હશે એટલે ટાઈમ જાય એના માટે થઇ ને સ્કૂલ માં બેસવા આવતા.

અમારી સ્કૂલ નો મેઈન ગેટ નો રસ્તો એ સ્કૂલ ના મેદાન માં થઇ ને જતો અને આ પ્રિન્સિપાલ ના ફાધર ગેટ ની બાજુ માં જ એક ટેબલ ને ખુરશી નાખી ને બેસતા.

એક મિનિટ...!! આ પ્રિન્સિપાલ ના પપ્પા એ બહુ લાંબો શબ્દ થઇ જાય છે. તમને વાંચવા અને મને લખવા માં તકલીફ ના પડે એટલે હવે આપણે એને પ્રેમ થી પિન્ટુ કહીશુ..!!

તો હા, સ્કૂલ ના ગેટ પાસે પિન્ટુ બેસી રહેતો અને સ્કૂલ માં થતી દરેક ગતિ વિધિ ને બહુ બારીકાઇ થી જોતો. પિન્ટુ દેખાવે શાંત અને આમ પણ બહુ જ શાંત હતો. કદાવર શરીર હતું અને માથે સફેદ વાળ જાણે  હેર ફોલ ની ઉમર માં માથે સ્નોવ ફોલ થયો હોય એમ લાગે.

સ્કૂલ માં લગભગ કોઈ એ આ પિન્ટુ ને બોલતો જોયો નહોતો. કહેવાનો મતલબ કે સાંભળ્યો નહોતો. ભગવાન જાણે કે બોલી પણ શકતો હતો કે નહિ.

હવે થયું એવું કે ગૌરી પાર્વતી વ્રત નો સમય આવ્યો. હવે તમને ખબર જ હોય કે ગૌરી વ્રત કરવા વાળી બધી જ છોકરીઓ ને બપોરે રિશેષ માં એટલે કે ૩ વાગ્યા પછી રજા મળી જતી.

મારી બેન પણ મારી જોડે એક જ ક્લાસ માં હતી. હવે છોકરીઓ ને વહેલા ઘરે જવા મળે એમાં મને કાંઈ વાંધો નહોતો. પણ મારી બેન વહેલા ઘરે જાય એટલે એ લોકો બધા લંગડી રમતા અને ખારેક ને મુક્તિ ને એવું ખાતા અને સ્કૂટી ચલાવતા. આખા વર્ષ માં આ એક એવો સમય હતો જેમાં મારા કાકા સ્કૂટી ચલાવા દેતા.  મારી તકલીફ એક જ હતી કે મારે પણ સ્કૂટી ચલાવવી હતી અને હા થોડી ઘણી ખારેક ને એવું ખાવું હતું.
કારણ કે આડા દિવસે ના તો કોઈ મને સ્કૂટી ચલાવા દેતું કે ના કોઈ ખારેક ખાવા દેતું. એટલે બેન ને શીખવાડવાના બહાને હું પણ  હાથ અજમાવી દેતો અને સાથે સાથે એની ખારેક પણ હું ખાઈ જતો.

હવે મારી મૂળ તકલીફ એ હતી કે છોકરીઓ ને તો વ્રત છે એટલે એમને રજા મળે એમાં કોઈ નવાઈ નહિ પણ મારે કઈ રીતે રજા લેવી?

એક્ટિંગ નો કીડો પહેલે થી જ હતો એટલે મેં એક પ્લાન બનાયો કે આજે સવાર થી જ સ્કૂલ માં બીમાર હોવાનું નાટક કરવું. એટલે મેં સવાર થી જ સાવ જાણે બીમાર હોઉં એ રીતે એક્ટિંગ કરવાની ચાલુ કરી. રિશેષ પહેલા ના ૪ ક્લાસ હું ઊંઘ નહોતી આવતી તો પણ બેન્ચ પર માથું નાખી ને સૂતો જ રહ્યો. ટીચર જયારે ક્લાસ માં એન્ટર થાય એટલે કોઈ એક ચમચો કહી દે કે હાર્દિક ને પેટ માં દુખે છે એટલે સુઈ ગયો છે. એટલે કોઈ મને ડિસ્ટર્બ કરતુ નહિ.

૨ કલાક સુધી કાંઈ પણ બોલ્યા વગર બેન્ચ પર માથું રાખી પડી રહેવું ખરેખર બહુ અઘરું હતું પણ મને તો એના પરિણામ માં જ રસ હતો. આંખ બંધ કરી ને હું તો સ્કૂટી ચલાવા ના સપના જોતો.

જોકે આવડતી નહોતી પણ સપના માં તો જાણે જ્હોન અબ્રાહમ ધૂમ બાઈક ચલાવે એમ હું સ્કૂટી ચલાવતો અને સ્ટન્ટ પણ કરતો.

૪ ક્લાસ પત્યા. રિશેષ પડી. મારા ક્લાસ ટીચરે મને કહ્યું શું થાય છે? મેં એક સલાહકાર સાથે રાખેલો જે મારી બાજુ માં બેસતો.
એટલે એને કીધું કે હાર્દિક ને સવાર થી પેટ માં દુઃખાય છે. ટીચરે સલાહકાર ને કીધું કે જા આને પ્રિન્સિપાલ જોડે લઈજા અને ઘરે જવાનું કે. આ સાંભળતા જ મારા મન માં આનંદ અને ઉમંગ ના ફણગા ફૂટવા લાગ્યા.

સલાહકારે મને ઉઠાડ્યો અને મને હાથ પકડી ને પ્રિન્સિપાલ જોડે લઇ ગયો. રીશેષ ના સમયે પ્રિન્સિપાલ સ્કૂલ ના ગેટ પાસે પિન્ટુ જોડે ઉભા રહેતા. ખાલી ઉભા જ રહેતા. બાપ બેટો હોવા છતાં બંને એક બીજા જોડે વાત સુદ્ધા નહોતા કરતા. પ્રિન્સિપાલ ને જોઈને મેં મારુ આખું વજન સલાહકાર ઉપર નાખી દીધું અને ઊંઘ માં ચાલતો હોય એમ નાટક કરતો કરતો પ્રિન્સિપાલ સામે ચાલવા લાગ્યો.

મારી આ સ્થિતિ જોઈ ને પ્રિન્સિપાલ ચિંતા માં મુકાયા. એમને પૂછ્યું કે હાર્દિક શું થયું? મેં ધીમે થી ઊંચું જોયું ને ધીમે થી બોલ્યો કે પેટ માં દુખે છે.

આ અત્યારે લખું છું ત્યારે ખબર પડી કે પેટ ના દુખાવા ને મારી બેભાન અવસ્થા વાળી એકટિંગ સાથે શું લેવા દેવા? સાવ ગોગા જેવો..!!
     
પ્રિન્સીપાલે કહ્યું એક કામ કર તું ઘરે જા. પટાવાળા ને મોકલું છું તને ઘરે મૂકી જશે. વટ તો જુઓ સાહેબ નો...પટાવાળા ઘરે મુકવા આવે. હું અંદર થી ખુશ થયો મેં હા પાડતો હોય એ રીતે માથું ધુણાવ્યું.

હું વહેલા ઘરે ગયો. સ્કૂટી ચલાવવા મળી અને ખારેક પણ મળી. મારો પ્લાન સફળ રહ્યો.

બીજો દિવસ આવ્યો. હું મારા પ્લાન સાથે વળગી રહ્યો.

મને સૂતો જોઈ ને ક્લાસ ટીચરે મને ઘરે જ રહેવાની સલાહ આપી. ૪ ક્લાસ પત્યા. રીશેષ પડી. સલાહકાર મને ફરી પકડીને પ્રિન્સિપાલ જોડે લઇ જતો હતો. એવું લાગ્યું જાણે ઇતિહાસ ફરી દોહરાઈ રહ્યો હતો!!

પ્રિન્સીપાલે મને કહ્યું કે તને હજુ મટ્યું નથી? મેં ના પાડતો હોય એ રીતે માથું ધુણાવ્યું. એમને ફરી પટાવાળા ને બોલાવી ને મને ઘરે મૂકી આવવા કહ્યું.

પિન્ટુ છેલ્લા ૨ દિવસ થી ચાલતું આ આખું પિક્ચર જોઈ રહ્યો હતો. પણ રોજ ની જેમ એ મૌન હતો. મેં એની સાથે આંખ મીલાવાનું ટાળ્યું.

હું બીજે દિવસે પણ ઘરે ગયો.

મેં ફરી સ્કૂટી ચલાવી. હવે મારી બેન કંટાળી હતી કે મને ચલાવવા દે નહીતો કાલે સ્કૂલ માં તારો ભાંડો ફોડી નાંખીશ. થોડા આંટા મારી ને મેં એને ચલાવવા આપી કે ક્યાં વ્રત ના દિવસો માં પાપ કરવો. 

મારી ખુશી નો પાર નહોતો. એકટિંગ અને પ્લાન ની સફળતા મારી આંખે વળગી ગઈ હતી. એવું લાગ્યું જાણે મેં પણ જયા પાર્વતી નું વ્રત કર્યું છે અને પાર્વતી દેવી સાક્ષાત ખાલી મારી પર જ કૃપા વરસાવી રહ્યા છે.

૩ જો દિવસ આવ્યો. એ  શુક્રવાર હતો. જો આજે પણ વહેલો ઘરે જતો રહું તો શનિ ને રવિ આમેય રજા હતી.
હું મારા પ્લાન સાથે વળગી રહ્યો પણ આજે મેં પેટ માં દુખાવા ની સાથે મારી એકટિંગ ની ઇન્ટેન્સિટી થોડી વધારી.

સ્કૂલ માં મારી આવી હાલત ને જોતા ટીચર અને પ્રિન્સિપાલ પહેલા જ પિરિયડ માં ક્લાસ માં મારી જોડે આવી ગયા અને કીધું કે તબિયત સારી ના હોય હાર્દિક તો શું કામ આવે છે અને હેરાન થાય છે?

મેં કહ્યું કે સર હું સ્કૂલ ના દિવસ નથી પાડવા માંગતો. તમે ચિંતા ના કરો મને સારું થઇ જશે.  મારો જવાબ સાંભળી ને ટીચર અને પ્રિન્સિપાલ અંદર થી મારી કદર કરી ગયા. એવું મને લાગ્યું હો..!!

મારો ગર્વ થી તરબરોડ એવો જવાબ સાંભળી ને પ્રિન્સીપાલે આજે વહેલા ઘરે જવાની કોઈ વાત કરી નહિ એટલે હું મુંજાવાયો. વધુ પડતા જ સારા ડાયલોગ્સ ના કારણે મારો પ્લાન ફેલ થતો હોય એમ મને લાગ્યું. 
એટલે પ્રિન્સિપાલ ની હાજરી માં હું અલગ અલગ અવાજ કાઢવા લાગ્યો ને કુતરા ને વાઈ આવી હોય એમ  આગો પાછો આળોટવા લાગ્યો કે કેમ કરી ને સર આજે રીશેષ માં ઘરે જવાની વાત કરે છે કે કેમ..!!
 
હું તો જબરદસ્ત કેરેક્ટર માં ઘૂસેલો હતો એટલે મારી કન્ડિશન જોઈને પ્રિન્સીપાલે ફરી ચિંતા માં મુકાયા. મને રીશેષ પહેલા જ ઘરે જવાની સલાહ આપી. મારા સલાહકાર ને એમને મને સ્કૂલ ના ગેટ સુધી મુકવા જવા કહ્યું અને ફટાફટ પટાવાળા ને પણ મને ઘરે મુકવા જવા કહેવાયું. 

ઓસ્કાર વિનિંગ પર્ફોમન્સ હતું મારુ એ વખતે. કોઈ ડિરેક્ટર જોઈ જાત તો તારે જમીન પર જેવા રોલ માં કાસ્ટ કરી દેત.

સલાહકર મને સ્કૂલ ના ગેટ સુધી મુકવા આવ્યો. ગેટ પાસે દરરોજ ની જેમ પેલો પિન્ટુ એકલો બેઠો હતો એટલે મેં મારો એકટિંગ મોડ ચાલુ જ રાખ્યો. સલાહકાર મને મૂકી ને પાછો જતો રહ્યો અને હવે હું પટાવાળા ની વાટે ગેટ પાસે ઉભો રહ્યો.

વિકટ પરિસ્થિતિ નું નિર્માણ જેને અંગ્રેજી માં ઓકવર્ડ મોમેન્ટ પણ કહેવાય એ આવી.

હું અને પિન્ટુ એકલા અને એ પણ આમને સામાને.

મને ખબર છે કે પિન્ટુ મારી સામું જ જોઈ રહ્યો હતો પણ હું એને ટાળવા માટે આડી અવળી નજર ફેરવતો હતો.પણ ક્યાં સુધી?

મારી નજર પિન્ટુ ની નજર ને મળી ગઈ.

એ મારી સામું એ રીતે જોતો હતો જાણે કે મારુ પેટ માં દુખાવા નું કારણ એ પોતે હોય.

એને મૌન તોડ્યું અને મને પૂછ્યું. આજે પણ પેટ માં દુખે છે? પહેલી વાર એને બોલતા જોઈને હું બગવાયો.
મેં ધીમા અવાજે કીધું હા..!!

બહુ દુઃખાય છે બકા? - પિન્ટુ જાણે ફ્રેન્ક થતો હોય એમ બોલ્યો. 

મેં કીધું હા.. - એનું સારું વર્તન જોઈ ને હું થોડો હળવો પડ્યો અને પટાવાળો આવે ત્યાં સુધી ટાઈમ પાસ કરવા  હું પણ થોડો ફ્રેન્ક થયો. એટલે મેં વધુ માં પેટ માં દુખવા નું કારણ રજુ કર્યું.

મેં કહ્યું કે મંગળવાર ની રાતે બનાવેલા ઢોકળા મેં છેક બુધવારે સવારે ખાધા એટલે પેટ માં થોડું વાયુ જેવું થઇ ગયુ છે.

એમને મારી દલીલ સાંભળી.

પિન ડ્રોપ સાઇલન્સ...!!! પિન્ટુ મારી સામે જ જોઈ રહ્યો અને હું પણ એની સામે. એનો લુક એવો હતો જાણે કે મારો જવાબ સહેજ પણ કન્વિન્સિંગ ના હોય.

એને મૌન તોડ્યું અને બોલ્યો - "તું જાજરૂ જઈ આવ..!!"   

હું ભડક્યો.. મેં કીધું શું?

"સંડાસ જઈ આય જા..." - એને ઊંચા અને ધમકી ભર્યા અવાજે કીધું.

હું ડરી ગયો. મોઢા માંથી અવાજ ના નીકળે.

શું બોલું? ફરી પિન ડ્રોપ સાઇલન્સ...મને લાગ્યું મારા જવાબ ની રાહ જોઈ રહ્યા છે

એટલે મેં ધીમા અવાજે એમના પ્રશ્ન નો ઉત્તર આપ્યો - "નથી આવી અત્યારે...ઘરે જઈ ને જતો આવીશ... પ્રિન્સીપાલે મને ઘરે જવાનું કીધું છે."     

પિન્ટુ બગડ્યો..!!!

"સાલા નોનડિયા..!! બે દા'ડા થી તારા ધતીંગો જોઈ રહ્યો છું. તારા નાટક મને બધા ખબર પડે છે. છાનો માનો જાજરૂ જઈ આય અને ભણવા નું કર નહીતો ચોબડું વખોડી કાઢે અમણાં તારું હા."

ઓસ્કાર ના તૂટી ને ટુકડે ટુકડા થઇ ગયા.

પટાવાળો ખરા ટાઈમે આવ્યો. મને કે ગેટ ની બહાર ઉભો રે..હું સ્કૂટર લઇ ને આવું.

પિન્ટુ એ પટાવાળા ને લીધો - " ક્યાંય નથી જવાનું એને. જા એને પાછો ક્લાસ માં મૂકી આવ."
પટાવાળા એ ગુગલી નાખી ને મને બચવાનો એક નિષ્ફળ પ્રયાસ કર્યો- "સાહેબ, જવા દો આને. બે દિવસ થી બીમાર છે બિચારો. પ્રિન્સિપાલ સાહેબે મને આને ઘરે મુકવા જવાનું કહ્યું છે ".

પિન્ટુ એ સિક્સ મારી - "એને કે જે કે એના બાપા એ ના પાડી છે. જા લઈજા પાછો આને ક્લાસ માં"

પટાવાળો ચૂપ થઇ ગયો. મારો હાથ પકડી ને ક્લાસ રૂમ માં લઇ જવા લાગ્યો.

પ્લાન ફેલ...!!! 

પટાવાળો મને પકડી ને ક્લાસ માં લઇ જતો હતો થોડા આગળ લોબી માં જઈને હું ઉભો રહી ગયો. મેં પટાવાળા ના હાથ માંથી મારો હાથ ઝાટકો મારી ને ખેંચી લીધો.

મેં કીધું કાકા તમે જાઓ હવે. હું આવું થોડી વાર માં.

"કેમ ક્યાં જાય છે?" - પટાવાળા એ પૂછ્યું?

પિન ડ્રોપ સાઇલન્સ...!!! મેં એની આંખો માં આંખ મીલાવી અને બહુ જ સાદગી પૂર્વક એમની માન મર્યાદા ને ઠેસ ના પહોંચે એ રીતે ઉત્તર આપ્યો. "કાકા સંડાસ જાઉં છું !! આવવું છે?" 


જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવા અનેક કિસ્સા ઓ સાંભળવા માંગતા હોવ તો આ આર્ટિકલ ને શેર કરો અને કોમેંન્ટ કરીને મને તમારા અભિપ્રાય જણાવો જે હું આવનારી વાર્તા માં ઈમ્પ્રોવ કરી શકું.

આભાર,

હાર્દિક બ્રહ્મભટ્ટ (બોગસ ની વાતો)  



Comments

Post a Comment

Followers

Popular posts from this blog

કવિતા ૧: શું કહું તને કે હું કોણ છું?

અંક ૨: ને બોસ પૈસા પડી ગયા..!!