અંક ૨: ને બોસ પૈસા પડી ગયા..!!

રોજિંદા સવાર ની જેમ એ પણ એક તાજગી ભરી સવાર હતી અને રોજ ની જેમ આજે પણ હું ઓફીએ થોડો મોડો પહોંચ્યો.

રોજ ના નિયમ મુજબ પિઝા આઉટલેટ ની સામે બાઈક પાર્ક કર્યું.

પિઝા આઉટલેટ નું ભવ્ય અને ઊંચુ શટર બરાબર ૧૧ વાગે ખુલે પણ જયારે શટર બંધ હોય ત્યારે પણ એ બંધ શટર નો મહિમા અકબંધ રહેતો. કારણ હતું એની પર રહેલી એરટેલ ની જાહેરાત. બંધ શટર માં એરટેલ ની જાહેરાત ની એ બોયકટ હેર વાળી છોકરી જાણે શટર માંથી ઉભરી ને બહાર આવતી હોય એમ લાગે.

રસ્તે ચાલતો દરેક છોકરો હોય કે પુરુષ એમને એક વાર તો પોતા ની સામે જોવા માટે મજબુર કરીદે એટલું મોહક એનું સ્મિત અને એમાં પણ રિસેન્ટલી તાર બંધાવીને એક દમ હરોળ માં બેસાડેલા એના દાંત જાણે કોઈ સરકારી શાળા ના છોકરાઓ સફેદ શર્ટ પહેરી ને ખોખો રમવા બેઠા હોય એમ લાગે.

રોજ ની જેમ આજે પણ હું એની સામે જોવા માટે મજબુર થયો. મેં બાઈક ને લોક માર્યું . મારા બાઈક માં અરીસા ના અભાવ ને કારણે બાજુ પડેલી એકટીવા ના અરીસા માં જોઈ ને હું મારા વાળ સરખા કરવા લાગ્યો. શેમ્પુ કરવાના લીધે કોરા રાખેલા મારા વાળ કબૂતરે અડધા બનાવી ને છોડેલા માળા ની યાદ અપાવતા હતા.

અરીસા માં જોઈને હાથે થી માળા રૂપી મારા વાળ ના એક એક તણખલા ને સરખું કરતો જ હતો કે પિઝા આઉટલેટ ની બાજુ ની ગલી માંથી આવતી એક છોકરી એ મને ડિસ્ટ્રેક્ટ કર્યો.

બ્લુ કલર ની ટી-શર્ટ સાથે ક્રીમ કલર નું પેન્ટ, અને એમાંયે ઈન-શર્ટ કરેલું. સાથે જ માથે પહેરેલી ટોપી મને વેસ્ટર્ન કન્ટ્રીસ ની લેડી પોલીસ ની યાદ અપાવતી હતી. ગેટ અપ જોતા એ મને કોઈ મોબાઇલ બ્રાન્ડ ની સેલ્સ વુમન લાગી.

પિઝા આઉટલેટ ના એ વિશાળ શટર ને ખોલવા કરવા માટે એક હાઇડ્રોલિક સિસ્ટમ લગાવેલી હતી. જેમાં એક પૈડાં જેવું ચક્ર અને એને ગોળ ફેરવવા માટે નો હાથો.....!!
ચરખા જેવું જ સમજી લો ને...!! આટલું વિશાળ શટર ખોલવા આવા ચરખા ના હૅન્ડલ પર કોઈ અનુભવી કારીગર નો હાથ પડે એ સહજ હતું.

અલબત્ત, મેં અહીં જે જોયું એ મારા વિચારો થી તદ્દન વિપરીત હતું.

પેલી સેલ્સ વુમન જેવી લગતી છોકરી કે જેની ઉમર ૨૦ એક વરસ ની હશે એના કોમળ જેવા કુમળા હાથ પેલા ચકેડા ના હેન્ડલ પર પડ્યા. એને ચકેડા નું હેન્ડલ  ફેરવવા નું ચાલુ કર્યું અને જોત જોતા માં એ વિશાળ  શટર એક પડદા ની માફક ખુલી ગયું. આ આખું દ્રશ્ય મારા માટે મહિલા શશક્તિકરણ નું ઉત્તમ ઉદાહરણ હતું.

અત્યંત ચકોર અને ચંચળ એવી આ છોકરી ના લલાટ પર થી બુદ્ધિમતા ટપકતી હોવા નો મને ભાસ થયો. ફ્રેમલેસ ચશ્મા જાણે એના કાન પાસે પગ લાંબા કરીને આરામ ફરમાવતા હતા. નાક ની નાની એવી ચુની પણ એની સુંદરતા માં ભાગ ભજવી રહી હતી.

હું ખોટો હતો...!!!

પહેલી નજરે સેલ્સ વુમન લાગેલી એ છોકરી બીજી કોઈ નહિ પણ પિઝા આઉટલેટ માં કામ કરતી એક કર્મચારી હતી.

વાળ સરખા કરીને બાજુ માંથી નીકળતા મેં એના વિશે આટલું અવલોકન કર્યું. આ અવલોકન નું તારણ એ આવ્યું કે મને રીયલાઈઝ થયું કે મારે પિઝા ખાધે ઘણો ટાઈમ થઇ ગયો, જેથી આજે બપોરે ૧ વાગે ભોજન માં પિઝા આરોગવા જોઈએ.

ઓફિસ પહોંચી ને મેં માત્ર જોવા ના ઉદ્દેશ થી મારુ ટિફિન ખોલ્યું. એના સૌથી ઉપર ના ડબ્બા માં રાખેલું તુવેર ટોઠા નું શાક જાણે મારા થી રિસાઈ ગયું હોય એમ લાગ્યું. બીજા ડબ્બા માં રાખેલી ૪ રોટલીઓ તો હણાયેલા ભાવ થી મને જોવા લાગી. નાના ડબ્બા માં રાખેલા પાપડે તો જાણે અબોલા ના લીધા હોય..!! એમ વાત કરવાનું ટાળ્યું. પહેલા જયારે પાપડ ડબ્બા માં થી બહાર કાઢતો તો કીચુડ કીચુડ અવાજ કરતો પણ આજે એ અવાજ પણ ના આવ્યો.

અલગ થી નાની બોટલ માં આવેલી છાશ મને આ બધા માં સૌથી નિશ્વાર્થ લાગી. હા એ વાત અલગ છે કે, પહેલા જયારે જોઈ ત્યારે માથે પાણી ચડાવી ને ગુસ્સા માં બેઠી હતી પણ પછી બોટલ હલાવતા વેંત જ જેવી ઘરે થી ભરેલી બિલકુલ એવી થઇ ગઈ.

એ જ કલર......એ જ પ્રમાણ.....અને બોટલ માંથી બહાર આવાનો એ જ  જુસ્સો...!!!

જેવા સાથે તેવા ની નીતિ અહીં એપ્લાય કરવી મને યોગ્ય લાગી. એટલે છાશ સાથે કોઈપણ જાત નો ભેદભાવ કર્યા વિના હું એ પી ગયો અને બાકી નું એઝ ઈટ ઇઝ પાછું મૂકી દીધું.

ઓફિસ માં ૧ વાગ્યા ની રાહ જોવામાં મેં છેલ્લી ૧૦ મિનિટ માં ૧૫ વાર ઘડિયાળ ના કાંટા ને એક પોલીસ ની માફક ટ્રેક કર્યા. કાશ આજે બાર પહેલા એક વાગી જાય એવું થયું, પણ રાહ જોવા માં એ મજા હતી.આની પાછળ નું કારણ તન અને મન ને ખુશી આપનારું હતું. પિઝા તન ને ખુશી આપશે અને પિઝા વાળી મન ને..!! 😉

બરોબર એક માં પાંચ બાકી હતી ને હું નીચે આઉટલેટ માં જવા નીકળ્યો...!!

આઉટલેટ માં પહેલા પણ ઘણી વાર હું આવેલો. પણ એ આટલું સુંદર ક્યારેય નહોતું. પહેલા બહુ જ ખરાબ રીતે અરેન્જ કરેલા ચેર એન્ડ ટેબલ આજે સુવ્યવસ્થિત રીતે જાણે મારુ સ્વાગત કરતા હોય એવું મને લાગ્યું. કાલે જે જગ્યા બહુ જ કનઝસ્ટેડ અને ભીડ વાળી હતી આજે એ જ જગ્યા ભવ્ય એવા તરણેતર ના મેળા સમાન લાગી. કાચ ની દીવાલો માંથી આવતો સૂર્ય નો તપાવી દેનારો તડકો હવે મને હૂંફ આપનારી હવા જેવો લાગ્યો.

આ બધું કેમ થયું...? શું કારણ હતું...? કદાચ તમે એ વધુ સારી રીતે જાણો છો. 😅

કારણ મારી સામે હાજર હતું અને કસ્ટમર નો ઓર્ડર લઇ રહ્યું હતું. 😅

હું પણ લાઈન માં ઉભો રહ્યો..!! મારો વારો આવે એની રાહ જોવા લાગ્યો..!!
હજુ હું થોડો દૂર હતો. એ શું બોલી રહી હતી એ તો નહોતું સંભળાતું પણ એની બોલવાની છટા ઘણી આકર્ષક હતી.

(આવો જરા ફ્લેશબેક માં જઈએ...)
"લાઈન માં ઉભા ઉભા એનો અવાજ સાંભળવા નો અત્યારે હું પ્રયત્ન કરી રહ્યો છું. અહીં બહુ જ ભીડ અને ઘોંઘાટ છે. તેમ છતાં મને એનો ઝીણો સરખો અવાજ સંભળાઈ રહ્યો છે... જે મારા માટે તરસ્યા ને જળ સમાન છે. એના મોઢે થી નીકળતા એ શબ્દો.......અને ...ગુડ આફ્ટરનૂન ની શુભેચ્છા સાથે જ કસ્ટમર ને આવકારવા ની એની અદા... સૌથી અલગ..!! અને ધીમો.... ધીમો... ઝરણા ના ધોધ ની જેમ મારા કાન માં પડતો એનો અવાજ......આય હાય....!!
એક એક શબ્દ મધપૂડા માંથી જરતા મધ જેવો...!! એટલો જ મધુર.....એટલો જ મીઠો...!!!  વાહ..!! "

(હવે પાછા આવી જઈએ..?? સરસ..!!)

આવા સંજોગ માં શું ઓર્ડર કરવું એ હવે મારા માટે ગૌણ વસ્તુ બની ગઈ હતી.અને એ સ્વાભાવિક જ છે. એટલે આમાં કાંઈ કરવાનું થાતું નહોતું.

મારો નંબર આવ્યો...!!! હું સહેજ બગવાયો ....!!!! 😌 (બગવાયો: શું કરવું શું ના કરવું કાંઈ જ ખબર ના પડવી)

એ મારા સામે હતી....😳 પહેલી વાર.......અને એ હવે બોલવા જઈ રહી હતી કંઈક....!!!!

એના અંતર મન માંથી નીકળેલો એ અવાજ મારા કાન થી મારા હૃદય સુધી પહોંચ્યો.........!!

એ બોલી.....!!!!

"બોટ ભૂંડિયું લાઈક તો હેવ સલ.....???  (મતલબ કે વોટ વુડ યુ લાઈક ટુ હેવ સર...???)
ભૂંડિયું લાઈક તું હેવ મેક્સિકન પિઝા? ઈતકે થાત તીજ લીજીયે...આપકે લિએ અચ્છા લહેંગા સલ. 
ઈતકે થાત કોક લીજીએ..આપકે લિએ અચ્છા લહેંગા સલ. તયાં આપ લાવા તેત લેના પસંદ તરેંગે સલ..??? " 

એના અંતર મન નો આ અવાજ સાંભળતા જ હવે મારા અંતર મન માંથી એક જ અવાજ નીકળ્યો..!!

"વન સ્મોલ સાઈઝ મેક્સિકન પિઝા એન્ડ વન કોક..!! થેન્ક્સ..!!"  મેં સ્મિત સાથે કહ્યું.

પિઝા અને કોક લઈને હું એક કોર્નર પર ના ટેબલે બેઠો. મગજ માં ઘણું બધું ચાલી રહ્યું હતું.પહેલા કરેલી સ્ત્રી શશ્ક્તિકરણ ની વાત એ માત્ર હવા માં જ હતી પણ કેશ કાઉન્ટર પર ના મારા અનુભવે મને મારા ઘણા પ્રશ્નો ના જવાબ આપી દીધા.

એનું સાહસ, એની કામ પ્રત્યે ની લગન અને મુશ્કેલી ને દૂર મૂકી ને જીવન માં સતત આગળ વધતા રહેવા નો આત્મવિશ્વાસ...!!

આ ઘટના એ મને પ્રોબ્લમ્સ ને જોવા નો અને સોલ્વ કરવા નો એક અલગ દ્રષ્ટિકોણ આપ્યો. આઈ હોપ કે તમને પણ મળ્યો હશે..!!

"પ્રોબ્લેમ્સ થી કદી ના ભાગો. તમારી અંદર જુઓ. તમારી વિકનેસ જ તમારો સ્ટ્રોંગ પોઇન્ટ બની ને બહાર આવશે અને મારા જેવા દરેક વ્યક્તિ એ માનવા મજબુર અને મોટીવેટ કરશે."

એ પિઝઝો તો મેં ખાધો...અને સાચું કહું ને તો બોસ....પૈસા પડી ગયા.......પણ તમે સમજો છો એના નહિ...ખાલી પિઝા ના જ..!!

આજે પણ મારુ રૂટિન એ જ છે. એ જ રોજિંદી સવાર,એ જ બાઈક, એ જ પાર્કિંગ.

જો શટર બંધ હોય તો જાહેરાત વાળી છોકરી ને જોવા મજબૂર થાઉં છું...😄
અને ખુલ્લું હોય તો નિખાલસ પૂર્વક જીવવા વાળી છોકરી ને જોઈ મોટીવેટ થાઉં છું..😋


તો જો તમને આ સ્ટોરી પસંદ આવી હોય અને આવા અનેક કિસ્સા ઓ સાંભળવા માંગતા હોવ તો આ આર્ટિકલ ને શેર કરો અને કોમેંન્ટ કરીને મને તમારા અભિપ્રાય જણાવો જે હું આવનારી વાર્તા માં ઈમ્પ્રુવ કરી શકું.

આભાર,

હાર્દિક બ્રહ્મભટ્ટ (બોગસ ની વાતો)  



Comments

Followers

Popular posts from this blog

કવિતા ૧: શું કહું તને કે હું કોણ છું?

અંક ૫: મેં પણ રાખ્યું ગૌરી વ્રત..!!